પાકિસ્તાન ત્રાસવાદીઓને નાણાં પૂરા પાડનારા દેશો પર દેખરેખ રાખતાં વૈશ્વિક સંસ્થા એફએટીએફની શંકાસ્પદ દેશોની યાદીમાંથી બહાર નીકળવાનો વિશ્વાસ બતાવી રહ્યું છે. પેરિસ સ્થિત આ સંસ્થાની બેઠક આ અઠવાડિયે મળવાની છે. પાકિસ્તાનના વિદેશમંત્રી શાહ મહેમૂદ કુરેશીએ થોડા સમય પહેલાં દુનિયા સમક્ષ આવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. શ્રી કુરેશીએ તાજેતરમાં મુલતાનમાં એક સભામાં કહ્યું હતું કે, પાકિસ્તાને ત્રાસવાદીઓને નાણાં પૂરા પાડવાની બાબતમાં એફએટીએફ દ્વારા મુકવામાં આવેલી તમામ શરતોનું પાલન કર્યું હોવાથી તે બહુ જલદી શંકાસ્પદ દેશોની યાદીમાંથી બહાર આવી જશે. કુરેશીએ તુર્કી, મલેશિયા અને સાઉદી અરેબિયાના વિદેશમંત્રીઓ સાથે વારંવાર ટેલિફોન પર વાત કરીને તેમને એવું સમજાવવાનો પ્રયત્ન કર્યો છે કે, પાકિસ્તાને ત્રાસવાદને રોકવા જરૂરી પગલાં લીધા છે. પાકિસ્તાનના વિદેશમંત્રાલયે પણ દાવો કર્યો છે કે, આ બાબતે નોંધપાત્ર પ્રગતિ થઈ છે.
જોકે, આ ખાતરીઓ હકીકતને છાની રાખી શકતી નથી. ખરેખર તો પાકિસ્તાન પોલા દાવા જ કરતું આવ્યું છે. આ દાવાઓ એફએટીએફની આવશ્યકતાઓને પૂરી કરવા શું પુરતા છે? દુનિયાના સ્વતંત્ર નિરીક્ષકોએ નિર્દેશ કર્યો છે કે, હજી તેણે ઘણું કરવાનું બાકી છે. જ્યાં સુધી વ્યક્તિગત ત્રાસવાદીઓ પર મનાઈ ફરમાવવાની બાબત છે ત્યાં સુધી જોઈએ તો પાકિસ્તાને લશ્કર-એ-તોઇબાના વડા હાફિઝ સૈઇદની ધરપકડ કરીને તેને 11 વર્ષની જેલની સજા કરી છે. પરંતુ પાકિસ્તાન દુનિયાને કહેતું આવ્યું છે કે ઝકી-ઉર-રહેમાન લખવી અને જૈશ-એ-મોહમ્મદના વડા મશૂદ અઝહર જેવા અન્ય ત્રાસવાદીઓ જેવાનો હજુ સુધી પત્તો નથી. તેનો આ દાવો કોઈ માને તેમ નથી. કે, આવા રીઢા ત્રાસવાદીઓ પાકિસ્તાનમાં વર્ષોથી ગુમ હોય. તેથી સ્પષ્ટ થાય છે કે, પાકિસ્તાન તેમના રક્ષણ માટે ઢાંક પીછોડો કરી રહ્યું છે. એટલું જ નહીં રાષ્ટ્રસંઘે જેમને ત્રાસવાદી જાહેર કરેલા છે તેવા અલકાયદા અને હક્કાની જૂથ સાથે સંડોવાયેલા કોઈપણ ત્રાસવાદી સામે પાકિસ્તાને ભાગ્યે જ પગલાં લીધા છે.
હજી આ વર્ષે મે મહિનામાં રાષ્ટ્રસંઘની દેખરેખ સમિતિએ તેના અહેવાલમાં તારવેલા છ હજાર 500 ત્રાસવાદીઓનું શું થયું તે કોઈ જાણતું નથી. ગયા વર્ષે પાકિસ્તાને તેના ત્રાસવાદ વિરોધી કાયદા હેઠળ તૈયાર કરેલી યાદીમાંથી ચાર હજાર ત્રાસવાદીઓના નામ દૂર કર્યા છે. નાના ગુનાઓ માટે કસૂરવાર ઠરેલા ત્રાસવાદીઓને પાકિસ્તાને હળવી સજા કરીને થોડો સમય જેલમાં રાખ્યા પછી છોડી મૂક્યા છે. ભારતમાં ત્રાસવાદીઓ પ્રવૃત્તિ સાથે સંડોવાયેલા હાફીઝ સૈઇદના સાળા અબ્દુલ રહેમાન મક્કીને અમેરિકાએ 2010માં ત્રાસવાદી જાહેર કર્યો હતો. જેના માથા પર વીસ લાખ ડોલરનું ઇનામ જાહેર કરાયેલું છે. તેને પાકિસ્તાનની ત્રાસવાદ વિરોધી અદાલતે ખાલી 20 હજાર રૂપિયાનો દંડ કરીને 18 મહિનાની કેસની સજા કરી છે. એટલું જ નહીં આ સજા પણ બાદમાં લાહોર અદાલતે મોકૂફ રાખી હતી. ત્રાસવાદીઓ સામેના કેસ એટલા બેદરકારીથી ઘડવામાં આવે છે કે 196 ત્રાસવાદીઓ તો ધરપકડ કરાયા પછી અદાલત દ્વારા ગયા વર્ષે છોડી મૂકાયા છે.
પાકિસ્તાને ગત મહિને સંસદના સંયુક્ત સત્રમાં ત્રણ આતંકવાદ વિરોધી કાયદા પસાર કર્યા છે. પરંતુ તેનો અસરકારક અમલીકરણ કેટલો થાય છે તે જોવું રહ્યું. કારણ કે, પાકિસ્તાનમાં આતંકવાદ – વિરોધી કાયદા તો પહેલા પણ હતા પરંતુ તેનું અસરકારક અમલીકરણ હંમેશાંથી મુદ્દો રહ્યું છે.
એફએટીએફની એશિયા-પેસિફિક જૂથે સમીક્ષા અહેવાલ તાજેતરમાં રજૂ કર્યો છે. જેમાં જણાવાયું છે કે, પાકિસ્તાને એફએટીએફની નાણાંકીય ગેરરીતિ અને આતંકવાદને અપાતા ભંડોળ અંગેન કરેલી ભલામણોમાંથી 40 ભલામણો પર કાર્ય કર્યું છે. વધુમાં તેમાં જણાવાયું છે કે, ટેકનીકલ બાબતો અંગે પાકિસ્તાને ભલે થોડી જ પ્રગતિ કરી છે પણ તે ફોલો-અપ લીસ્ટમાં ઉપરના ક્રમે મૂકાયું છે. જે ગત વર્ષે નીચે ઉતારાયો હતો. અને તે હવે તેના પગલાંઓના અમલીકરણની પ્રગતિ અંગે એપીજીને અહેવાલ આપશે.
પાકિસ્તાનને બ્લેક લીસ્ટમાં જતા અટકાવવા માટે એફએટીએફના 39 સભ્યોમાંથી ક્મ સે કમ ત્રણ સભ્યોના સમર્થનની જરૂર છે અને ગ્રે લીસ્ટમાંથી બહાર આવવા માટે 12 સભ્યોનું સમર્થન જોઈએ.
ચીન, તુર્કી અને મલેશિયાના સમર્થન સાથે પાકિસ્તાન ગ્રે લીસ્ટમાં જ રહેશે. પણ તેમાંથી બહાર આવવા અન્ય નવ સભ્યોના સમર્થન મેળવવું પાકિસ્તાન માટે અત્યંત મુશ્કેલ છે. આનો મતલબ એ છે કે, પાકિસ્તાનને વિશ્વ બેન્ક, આઈએમએફ એશિયન ડેવલોપમેન્ટ બેન્ક, યુરોપીયન યુનિયન દ્વારા મળતા ભંડોળની વંચિત કરી શકે છે. જેનોથી તેનું અર્થતંત્ર ખતરામાં આવી શકે છે.
પાકિસ્તાન મુદ્દે એ બાબત સ્પષ્ટ છે કે, જો તેને ગ્રે લિસ્ટમાંથી બહાર આવવું હશે તો આતંકવાદ વિરૂદ્ધ તેણે ગંભીરતાપૂર્વક પગલા લેવા પડશે. આંખ નીંચાણ અને આંતરરાષ્ટ્રીય સમુદાયને પ્રભાવિત કરવાના પ્રયાસો કામ લાગશે નહીં.
ભરતભાઈ, નીકીતા શાહ, રમેશ પરમાર
લેખક – અશોક હાંડુ, રાજકીય વિશ્લેષક
Comments
Post a Comment