પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને જર્મનીના ચાન્સેલર એન્જેલા માર્કેલના અધ્યક્ષપદે પાંચમી આંતર સરકારી મસલતી બેઠક દિલ્હીમાં યોજાઇ ગઇ. ભારત એક એવો પસંદગીપાત્ર દેશ છે કે જેમની સાથે જર્મની ઉચ્ચસ્તરીય રાજદ્વારી બેઠક યોજે છે. સુ.શ્રી માર્કેલની ભારતની આ ચોથી મુલાકાત હતી. તેમની સાથે બાર મંત્રીઓ અને વેપારક્ષેત્રના અગ્રણીઓનું પ્રતિનિધીમંડળ પણ ભારત આવ્યું હતું. તેઓ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદને મળ્યા હતા અને વિવિધ વિષયો પર ચર્ચા કરી હતી.
શ્રી રામનાથ કોવિંદે જણાવ્યું હતું કે, ભારત અને જર્મની વચ્ચે વેપારક્ષેત્રના સંબંધો ઘણા મજબૂત છે. આથી જ યુરોપીયન સંઘ સાથેનો વેપાર સંતુલીત રીતે આગળ વધે તે હેતુથી ભારતને સમર્થન આપવામાં જર્મની મહત્વની ભૂમિકા ભજવી શકે છે તેમ રાષ્ટ્રપતિએ જણાવ્યું હતું. યુરોપીયન સંઘના દેશોની તુલનાએ જર્મની ભારતનો સૌથી મોટો વેપાર ભાગીદાર દેશ છે.
રાષ્ટ્રપતિના નિવેદન પરથી ભારત યુરોપીયન સંઘ સાથે વેપાર અંગે સમજૂતી કરવા તત્પર હોવાના સંકેત મળે છે. શ્રી કોવિંદે આતંકવાદ સામેની લડતમાં બન્ને દેશોને સહકાર વધારવાનું સૂચન કર્યું છે. આંતર સરકારી મસલતી બેઠકમાં બંને દેશોના વડાઓએ ભારત અને જર્મની વચ્ચેની વ્યુહાત્મક ભાગીદારી સમાન મૂલ્યો, લોકશાહીના સિધ્ધાંતો, મુક્ત વેપાર જેવા આધારસ્તંભોના આધારે ટકી હોવાનો સ્વીકાર કર્યો હતો.
શ્રી નરેન્દ્ર મોદીએ, સુશ્રી માર્કેલને ભારતના સારા મિત્ર અને વૈશ્વિક નેતા ગણાવી હતી. તેમણે કહ્યું કે, ભારત અને જર્મનીએ સમજૂતી ઉપર કરેલા હસ્તાક્ષર બંને દેશોની મૈત્રીને તથા સંબંધોને નવું બળ આપે છે. બંને દેશોએ વેપાર મૂડી રોકાણના ક્ષેત્ર ઉપરાંત કૃત્રિમ બુધ્ધિમતા, ડિજીટલ પરિવર્તન જેવા ક્ષેત્રોમાં પણ સહકાર મજબૂત બનાવવાનો નિર્ણય લીધો છે.
આંતર સરકારી મસલતી બેઠકના અંતે બહાર પડાયેલા સંયુક્ત નિવેદનમાં ભારત અને જર્મનીએ જે 73 ક્ષેત્રોમાં સહકાર વધારવાનો નિર્ણય લીધો છે તેમના નામો દર્શાવવામાં આવ્યા છે. બંને દેશોએ આરોગ્ય, પર્યાવરણ, કૃષિ જેવા વિવિધ ક્ષેત્રોમાં કૃત્રિમ બુધ્ધિમતા તથા ડિજીટલ પરિવર્તનનો શ્રેષ્ઠ ઉપયોગ કરવાનો પણ નિર્ણય લીધો છે.
વેપાર અને મૂડીરોકાણ ક્ષેત્રે ભારત અને જર્મનીએ આંતરરાષ્ટ્રીય કાયદાઓ મુજબની વેપાર પધ્ધતી અમલી બનાવવાનો નિર્ણય લીધો છે. સમગ્ર રીતે જોતા બંને દેશોએ મેઇક ઇન ઇન્ડિયા મીટ્ટસલેન્ડ કાર્યક્રમ તથા જર્મન-ભારત સ્ટાર્ટઅપ કાર્યક્રમ ઉપર ભાર મૂક્યો છે. શ્રી મોદી તથા સુ.શ્રી માર્કેલે – પુનઃપ્રાપ્ય ઉર્જા, ઇ-મોબીલીટી તથા ઉર્જા કાર્યક્ષમતા જેવા નવા ક્ષેત્રોમાં નવકલ્પના તથા અદ્યતન ટેકનોલોજીના આધારે નવું કૌશલ્ય વિકસાવવા ઉપર ભાર મૂકયો હતો.
ભારત અને જર્મનીએ આર્થિક ક્ષેત્રના મુદ્દાઓ અંગે સઘન ચર્ચા કરવા તથા વિચારોના આદાન-પ્રદાન માટે મંચ પૂરો પાડતા, બન્ને દેશોના નાણા મંત્રીઓના કચેરીઓના અધિકારીઓની બેઠક ફરીથી યોજવાનો નિર્ણય લીધો છે. ભારતમાં હાઇસ્પીડ તથા સેમી – હાઇસ્પીડ રેલ પ્રોજેક્ટ સ્થાપવામાં જર્મનીએ મદદરૂપ થવાનો પણ નિર્ણય લીધો છે.
આબોહવામાં પરિવર્તન ક્ષેત્રે પણ બંને દેશોએ સહકાર વધારવાનો નિર્ણય લીધો છે. આ હેતુથી પેરીસ સમજૂતી બંને દેશો માટે માર્ગદર્શક રૂપરેખાનું કામ કરશે. સૂર્ય ઉર્જા ક્ષેત્રે પણ બંને દેશોએ સહકાર મજબૂત બનાવવાનો નિર્ણય લીધો છે. આ હેતુથી વર્ષ 2015માં ભારત – જર્મની સૂર્ય ઉર્જા ભાગીદારી અંગે સમજૂતી તથા ભારત – જર્મની ઉર્જા મંચ જેવા પ્રયાસો હાથ ધરાયા છે. બંને દેશોએ, નાગરીકો વચ્ચેનો સંપર્ક વધારવો ઉચ્ચ શિક્ષણ, વિજ્ઞાન અને ટેકનોલોજી જેવા ક્ષેત્રોમાં દ્વિપક્ષીય સહકાર વધારવાનો નિર્ણય લીધો.
ભારત અને જર્મની વચ્ચેની વ્યુહાત્મક ભાગીદારીના સંબંધને વર્ષ 2020માં બે દસકાઓ પૂર્ણ થશે. આથી બંને દેશોએ દર વર્ષે વિદેશ સચિવ સ્તરની મંત્રણાઓ યોજવાનો પણ નિર્ણય લીધો છે. બંને દેશોએ વૈશ્વિક તથા પ્રાદેશિક સ્તરના સંરક્ષણ ક્ષેત્રના પડકારોનો સાથે મળીને સામનો કરવાનો પણ નિર્ણય લીધો છે.
બંને દેશો અફઘાનીસ્તાનની સમસ્યા શાંતિપૂર્ણ રીતે ઉકેલાય તથા ઇરાન પરમાણુ સમજૂતીને સમર્થન આપવા સંમત થયા છે.
લેખક – પ્રોફેસર ઉમ્મુ સલમાબાવા
Comments
Post a Comment