Skip to main content

ભારત અને ઇરાનના સંયુક્ત પંચની 19મી બેઠક અંગે સમીક્ષા


ભારતના વિદેશમંત્રી ડોક્ટર એસ. જયશંકરે ભારત અને ઇરાનના સંયુક્ત પંચની 19મી બેઠકમાં ભાગ લેવા તાજેતરમાં ઇરાનની મુલાકાત લીધી હતી. ભારત અને ઇરાનના વિદેશમંત્રીઓના અધ્યક્ષપદે સંયુકત પંચની બેઠક યોજવામાં આવી હતી. બંને મિત્રો દેશો દ્વારા દ્વિપક્ષીય સંબંધો મજબૂત બનાવવા માટે તૈયાર કરેલી આ એક વ્યવસ્થા છે. ઇરાનની મુલાકાત વખતે શ્રી જયશંકરે ઇરાનના રાષ્ટ્રપ્રમુખ હસન રૌહાનીની મુલાકાત લઈને સંયુક્ત પંચની બેઠકમાં થયેલી વાતચીત અંગે જાણકારી આપી હતી. શ્રી જયશંકરે ઇરાનની સર્વોચ્ચ રાષ્ટ્રીય સલામતી પરિષદના વડા રીયર એડમિરલ અલી શામખાની અને શહેરી વિકાસમંત્રી મહમ્મદ ઇસ્લામી સાથે પણ મંત્રણાઓ કરી હતી.

ઇરાન અને અમેરિકા વચ્ચે રાજકીય અને આર્થિક ક્ષેત્રે મડાગાંઠ સર્જાઈ છે અને અમેરિકાએ ઇરાન સામે રાજકીય અને આર્થિક પ્રતિબંધો લાદયા છે ત્યારે ભારત ઇરાન સાથેના દ્વિપક્ષીય સંબંધો મજબૂત બનાવવાના હેતુથી આ મુલાકાત યોજી હતી. ખૂબ જ ફળદાયી રહેલી આ સંયુક્ત પંચની બેઠકમાં ભારત અને ઇરાને દ્વિપક્ષીય સંબંધોની સર્વગ્રાહી સમીક્ષા કરી હતી. એટલું જ નહીં ભારત અને ઇરાન ચાબહાર બંદર યોજના વધુ ઝડપી બનાવવા સહમત થયા હતા.

ઇરાનના વિદેશમંત્રી જાવેદ ઝરીફે ભારત ઇરાન દ્વિપક્ષીય સંબંધો અંગે સંતોષ વ્યક્ત કર્યો હતો અને બંને દેશો વચ્ચેના પ્રાચીન ઐતિહાસિક અને મૈત્રીભર્યા સંબંધો જાળવી રાખવાની પ્રતિબધ્ધતા વ્યક્ત કરી હતી.

આ બેઠકમાં બંને પક્ષોએ સંપર્ક, વેપાર અને વાણિજ્ય ક્ષેત્રના સહકારને મજબૂત બનાવવા અંગે ચર્ચા કરી હતી. આ ઉપરાંત બંને પક્ષોએ પ્રાદેશિક અને આંતરરાષ્ટ્રીય બાબતો અંગે ચર્ચા વિચારણા કરી હતી. ચાબહાર બંદર ભારત માટે ઇરાન, અફઘાનિસ્તાન, મધ્ય એશિયા અને યુરોપ સાથેના વેપારનું પ્રવેશ દ્વાર બની રહેવાનું છે. પાકિસ્તાન અને ચીન દ્વારા પાકિસ્તાનમાં તૈયાર કરવામાં આવી રહેલા ગ્વાદર બંદરના જવાબ રૂપે ભારત અને ઇરાને ચાબહાર બંદર વિકસાવવાનો નિર્ણય લીધો છે.

ભારત અને ઇરાનના વિદેશમંત્રીઓ ચાબહાર બંદરની ક્ષમતાઓનો મહત્તમ ઉપયોગ કરવાનો અને વેપારના કેન્દ્ર તરીકે વિકસાવવા અંગે સઘન ચર્ચા કરી હતી.

ભારત અને ઇરાનની સંયુક્ત પંચની બેઠકમાં દ્વિપક્ષીય વેપાર વધુ મજબુત બનાવવાનો નિર્ણય લેવાયો હતો. આ હેતુથી ભારત ઇરાનની વેપાર ક્ષેત્રની સંયુક્ત કાર્યકારી જુથની બેઠક શક્ય એટલી વહેલી તકે યોજવાનો, દ્વિપક્ષીય રોકાણ સંધિ કરવાનો અને કસ્ટમની બાબતોમાં ભારત અને ઇરાન વચ્ચેનો સહકાર સુદૃઢ બનાવવાના નિર્ણયો લેવાયા હતા.

બંને દેશોએ આંતકવાદના કારણે સમગ્ર માનવજાતિ સામે ઊભા થયેલા પડકાર અંગે ચર્ચા કરી હતી. ભારત અને ઇરાને આતંકવાદ અને આતંકીઓને આશ્રય આપનારાઓ સામે તત્કાલ અને સાથે મળીને ઝડપી કાર્યવાહી કરવા વિશ્વ સમુદાયને અપીલ કરી હતી. ભારત અને ઇરાન પ્રાદેશિક સ્તરે શાંતિ અને સ્થિરતા જાળવી રાખવા સંમત થયા હતા.

ભારત અને ઇરાનના સંયુક્ત પંચની બેઠકમાં સૌથી મહત્વની કહી શકાય તેવી દ્વિપક્ષીય સમજુતી સધાઈ હતી. જેમાં બંને દેશોના મૈત્રીપૂર્ણ અને દ્વિપક્ષીય સંબંધોને વર્ષ 2020 માં 70 વર્ષ પૂરા થતાં હોવાથી બંને દેશોએ આ બનાવની ઉજવણી કરવાનો તેમજ સાંસ્કૃતિક ઉત્સવો યોજવાની અને અને બંને દેશોના સાંસદો દ્વારા એકબીજાના દેશની મુલાકાત લેવાની બાબતોને વણી લેતી સમજુતી કરવામાં આવી હતી.

અમેરિકાના પ્રતિબંધોના કારણે ઇરાનથી આયાત થતાં ખનીજ તેલ ઉપર ગંભીર અસર થઈ હોવાથી ભારતે સંયુક્ત પંચની બેઠકમાં બંને દેશોના સંબંધો વધુ મજબુત બનાવવાની નેમ વ્યક્ત કરી હતી. ઉલ્લેખનીય છે કે, ઇરાનના રાષ્ટ્ર પ્રમુખ હસન રૌહાનીએ ગયા વર્ષે ભારતની મુલાકાત લીધી હતી. એવી જ રીતે સંયુક્ત રાષ્ટ્ર સંઘની ગત સપ્ટેમ્બરમાં ન્યૂયોર્કમાં યોજાયેલી સામાન્ય સભાની બેઠક વખતે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ઇરાનના વડા રૌહાનીએ દ્વિપક્ષીય વાતચીત કરી હતી. તાજેતરમાં યોજાયેલી સંયુક્ત પંચની બેઠક ભારત અને ઇરાનના દ્વિપક્ષીય સંબંધો હજુ મજબુત બનાવશે એ વાત નક્કી છે.

Comments

Popular posts from this blog

કાશ્મીર મુદ્દે પાકિસ્તાનનો હોબાળો

પાકિસ્તાન હવે ઘાંઘુ બન્યું છે. અનુચ્છેદ ૩૭૦ રદ કરવાના ભારતના નિર્ણયથી તેની વર્તણૂંક બદલાઈ ગઈ છે અને આંતરરાષ્ટ્રીય સ્તરે કોઈપણ મુદ્દા વિના હોબાળો મચાવી રહ્યું છે. ભારતે જમ્મુ-કાશ્મીરને અને લદાખને કેન્દ્ર શાસિત પ્રદેશ જાહેર કરતાં તેને કોઈ જ અસર ન હોવા છતાં તે બેબાકળું બન્યું છે. પાકિસ્તાનના પ્રધાનમંત્રી ઈમરાન ખાને ભારતને ધમકીઓ આપવાની એકપણ તક જતી કરતા નથી. તેઓ તો યુદ્ધ, આતંક અને હવે અણુ હુમલાની ધમકી સુધી પહોંચી ગયા છે તે દ્વારા ભારત સામે ઝેર ઓકી રહ્યા છે. ઈમરાન ખાને કહ્યું કે, જા કાશ્મીર મુદ્દે વિશ્વના અગ્રણી નેતાઓ કોઈ નિર્ણય નહીં કરે તો બંને દેશો વચ્ચે લશ્કરી અથડામણ થાય તેવી શક્યતા છે. પાકિસ્તાનના વિદેશ મંત્રી શાહ મહંમદ કુરેશીએ પણ એ જ રાગ આલાપ્યો છે. જા કે તેમણે કહ્યું કે, કાશ્મીર પ્રશ્ન ઉકેલવા માટે યુદ્ધ એક માત્ર ઉપાય નથી. પાકિસ્તાનના રેલવે મંત્રી શેખ રાશીદે એક જાહેરસભામાં કહ્યું કે, ઓક્ટોબર કે નવેમ્બર મહિનામાં યુદ્ધ થાય તેવું લાગી રહ્યું છે. આમ પાકિસ્તાનના નેતાઓ એકમત નથી અને આડેધડ નિવેદનો દ્વારા હોબાળો કરી રહ્યા છે. કાશ્મીર મુદ્દાનું આંતરરાષ્ટ્રીયકરણ કરવામાં પાકિસ્તાને કશું જ બાકી રાખ...

શું આરબોની દુનિયામાં નવા યુગમાં ખલીફા બગદાદીના મોતથી કંઈ ફેર પડશે ?

પોતે જ વિસ્ફોટ કરી પોતાને મોતને ઘાટ ઉતારનાર આતંકી સંગઠન આઈએસઆઈએસના ખલીફા - અબુ બકર અલ બગદાદીના મોતના સમાચારથી ઇરાકના મોસુલની શેરીઓમાં ખુશી ફેલાઈ હતી. જ્યાં વર્ષ 2014માં આ અત્યાચારીએ ઇસ્લામિક સ્ટેટ ઓફ ઇરાક એન્ડ સિરીયાની સ્થાપનાની જાહેરાત કરી હતી. અને ત્યારબાદ હત્યાકાંડ, સામૂહિક હત્યા, સામૂહિક બળાત્કાર, શેરી હિંસા, તોડફોડ, અપહરણ, ખંડણી જેવી આફરા-તાફરી મચી હતી. મોસુલ શહેરના 30 હજાર લોકોને શહેર છોડવાની ફરજ પડી હતી અને હજારો લોકોએ તેમના પ્રિયજન ગુમાવ્યા હતા. અલ બગદાદી આતંકી સંગઠન આઈએસઆઈએસનો વડો હતો. જેણે ભૂતકાળમાં ઘણા રૂપ બદલ્યા હતા. અને જે સિરીયા અને ઇરાક વચ્ચેના બ્રિટન જેટલા મોટા પ્રદેશનું નિયંત્રણ કરતો હતો. અબુ બકર અલ બગદાદીએ સિરિયાની સભ્યતા-સંસ્કૃતિ પર ઘણી ખરાબ છાપ પાડી છે. તેમણે પાલમિરા શહેરને ધ્વંસ કર્યું. તો મોસુલની ઐતિહાસિક અલ-નૂરી મસ્જિદને વર્ષ 2017માં ઉડાવી દીધી હતી. જ્યાં તેણે 2014માં ઇસ્લામિક ખિલાફતની જાહેરાત કરી હતી. ઉલ્લખનીય છે કે, ઇરાક અને સિરીયામાં અમેરિકાના નેતૃત્વ હેઠળનું યુદ્ધ હતું અને સિરીયા અને બહાદુર કુર્દ આગેવાનની હેઠળના યુદ્ધમાં છેલ્લા કેટલાંક વર્ષોમાં આઈએસઆઈએસએ નોં...

રાયસીના મંત્રણા 2020 અંગે સમીક્ષા

લેખક – ડોક્ટર આરા નારાયણ રોય,  દિલ્હીની ભારતીય સામાજિક વિજ્ઞાન સંસ્થાના નિયામક સમગ્ર વિશ્વ 21મી સદીના ત્રીજા દાયકામાં પ્રવેશ કરતી વખતે એકથી વધુ પડકારો તથા સત્તામાં પરિવર્તનના બનાવો નિહાળી રહ્યું છે.  નવી સત્તાઓ વિશ્વ ફલક ઉપર ધીરે ધીરે ઉપસી રહી છે, ત્યારે કેટલીક જૂની સત્તાઓ તેમની અસર ગુમાવી રહી હોવાનો અહેસાસ કરી રહી છે.  ચીનનો વિશ્વ ફલક ઉપર થયેલો ઉદય સમગ્ર વિશ્વને ચોંકાવનારો છે, જ્યારે ભારત પણ વિશ્વમાં આગળ વધી રહ્યું છે.  સમગ્ર વિશ્વના પર્યાવરણ ઉપર નિર્ણાયક છોડવાની બાબતમાં તથા સલામતી ક્ષેત્રના તણાવની દૃષ્ટિએ, એશિયા વૈશ્વિક સ્તરે કેન્દ્રમાં રહ્યું છે.  નવકલ્પના એ ભવિષ્યની ચાવી છે. જો તમે નવકલ્પનાને મહત્વ આપશો નહીં, તો ફેંકાઈ જવાનો ભય રહ્યો છે.  આજ બાબત વિદેશનીતી અને વ્યૂહાત્મક હિતોને પ્રોત્સાહન આપવાની બાબતને પણ લાગુ પડે છે.  જટીલ વ્યવસ્થા ધરાવતું નવું વિશ્વ પડકારોની સાથે સાથે નવી તકો પણ આપે છે.  વિશ્વમાં સત્તાનું કેન્દ્ર પશ્ચિમી દેશોથી ખસીને પૂર્વના દેશો તરફ આવતું જણાય છે. આ જ બાબત નવી વિચારધારાની જરૂરિયાત તરફ...