Skip to main content

જળવ્યવસ્થાપન પ્રત્યે ભારતનો સર્વગ્રાહી અભિગમ વિશે સમીક્ષા

ભૂતપૂર્વ પ્રધાનમંત્રી અટલ બિહારી વાજપેયીના જન્મદિને ‘અટલ ભૂજળ યોજના’ નામની મહત્વાકાંક્ષી જળવ્યવસ્થાપન યોજના જાહેર કરીને ભારતે લાખો લોકોને પાણી સંબંધિત તકલીફોમાંથી બહાર કાઢવાનો તેનો નિર્ધાર વ્યક્ત કર્યો છે. હકીકતમાં પાણીની અછતના નિવારણ માટે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ બીજીવાર સત્તા સંભાળ્યા પછી જળ શક્તિ મંત્રાલયની રચના કરીને દેશનો આ વિષય પ્રત્યેનો અભિગમ સ્પષ્ટ કરી દીધો હતો. આ નિર્ણયથી પાણીની કટોકટીને એક વિભાગનો વિષય બનાવવાના બદલે તેને વધુ સર્વગ્રાહી અભિગમ બનાવવામાં મદદ કરી છે.

લોકોની અપેક્ષાઓ અને આકાંક્ષાઓને અનુકૂળ દેશની સમસ્યાઓનું નિરાકરણ લાવ્યા વિના નૂતન ભારતનું સપનું સાકાર કરી શકાય તેમ નથી. અટલ ભૂજળ યોજના દેશના ગુજરાત, રાજસ્થાન, હરિયાણા, મધ્યપ્રદેશ, ઉત્તર પ્રદેશ, મહારાષ્ટ્ર અને કર્ણાટકના 78 જિલ્લામાં ઊંડા ઉતરેલા પાણીના સ્તરની સમસ્યા ઉકેલવામાં તો કામ આવશે જ પરંતુ સાથોસાથ દેશના ખેડૂતોને પાણી બચાવે તેવા વૈકલ્પિક પાકોની જરૂરિયાતો અંગે જાગ્રત કરવામાં પણ મદદરૂપ થશે.

ભારતમાં ખેતી મોટાભાગે જમીનમાંના પાણીની સિંચાઇ આધારીત જ છે. જમીનમાંથી મોટા પ્રમાણમાં પાણી ખેંચાવાથી અને વરસાદની બદલાઈ રહેલી તરાહના કારણે જમીનમાં પાણીના સ્તર ઊંડા ઉતરી રહ્યા છે. એક અભ્યાસ અનુસાર દેશમાં છેલ્લા 10 વર્ષમાં ભૂજળનું સ્તર 61 ટકા જેટલું નીચું ગયું છે. ચોમાસાની તરાહમાં ફેરફાર અને ઉંડા ઉતરી રહેલા પાણીના સ્તર માટે ગ્લોબલ વોર્મિંગને મોટું કારણ માનવામાં આવે છે. 1950થી લઈને આજ સુધી દેશમાં વરસાદનું પ્રમાણ લગભગ સાત ટકા જેટલું ઘટ્યું છે. ભારતમાં સામાન્ય રીતે ચોમાસું જૂન, જુલાઈ, ઓગસ્ટ અને સપ્ટેમ્બર એમ ચાર માસ માટે આવે છે. જ્યારે નૈઋત્યના પવનો હિંદ મહાસાગર, અરબી સમુદ્ર, અને બંગાળના અખાતમાંથી ભેજ લઈને આવે છે. ત્યારે આ ચોમાસું સક્રીય રહે છે. અને ભારતના ભૂ-ભાગ પર પાણી વરસે છે. ઓક્ટોબર અને ડિસેમ્બર વચ્ચે પવનની દિશા બદલાય છે. અને વળતા ચોમાસાની અસર હેઠળ ખાસ કરીને પૂર્વ ભારતના રાજ્યોમાં વળતો વરસાદ આવે છે. જોકે, આબોહવા પરિવર્તનને કારણે આ ઋતુ ચક્ર બદલાયું છે અને વરસાદ પડવાની તરાહ પણ ખોરવાઈ છે.

ભારતમાં હવે ચોમાસા દરમિયાન નિયમિત રીતે વરસાદ આવવાને બદલ ટુકડે ટુકડે પરંતુ અપૂરતો વરસાદ આવવા લાગ્યો છે. પરિણામે ક્યાંક દુષ્કાળ તો કેટલીક વાર પુરની પરિસ્થિતિ પણ ઊભી થાય છે. ભારતમાં અન્ય વિકસીત દેશોની સરખામણીએ ગ્રીન હાઉસ વાયુઓનું ઉત્સર્જન ઓછું હોવા છતાં ભારત આ સમસ્યાનો સામનો કરી રહ્યું છે.

આનંદની બાબત એ છે કે, ભારત સરકાર નીચા ઉતરી રહેલાં પાણીના સ્તરની સમસ્યા હલ કરવા તૈયાર થઈ ગઈ છે. અટલ ભૂજળ યોજનામાં આ તૈયારીઓ સ્પષ્ટ જણાઈ આવે છે. આ યોજનાના અમલ દ્વારા ભૂજળ વ્યવસ્થાપન માટે સંસ્થાકીય માળખું વધુ મજબૂત બનાવવા અને જમીનમાંના પાણીના સ્ત્રોતોના ટકાઉ વ્યવસ્થાપન માટે સામૂદાયિક સ્તરે લોકોની રહેણીકરણીમાં બદલાવ લાવવાનો આ યોજનાનો હેતુ છે. પાણી વપરાશકર્તા સંગઠનનોનું નિર્માણ દેખરેખ, ભૂગર્ભ જળની વહેંચણીની માહિતી, પાણી માટેના ખર્ચનું આયોજન અને ગ્રામ-પંચાયત દીઠ જળ સુરક્ષા યોજનાનું અમલીકરણ એ અટલ ભૂજળ યોજનાના મુખ્ય ઉદ્દેશ્યો છે. આ યોજનાથી સાત રાજ્યોના 78 જિલ્લાની આઠ હજાર 350 ગ્રામ પંચાયતોને લાભ મળશે. આ યોજનામાં જળ-વ્યવસ્થાપન માટે સારી કામગીરી કરનાર ગ્રામ પંચાયતોને પ્રોત્સાહન આપવાની પણ જોગવાઈ છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આ યોજનાના પ્રારંભ સમયે આ બાબત જણાવી હતી. પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, સારી કામગીરી કરનાર ગ્રામપંચાયતોને અટલ ભૂજળ યોજના હેઠળ વધુ ભંડોળની ફાળવણી કરાશે.

આ બાબતને ભૂગર્ભ જળ વ્યવસ્થાપન પ્રત્યેનો સાહસિક અભિગમ ગણાવી શકાય.

જોકે, આ યોજનાને વધુ પરિણામલક્ષી બનાવવા, ખેડૂતોને વિશ્વાસમાં લઈ તેમને ખેતી પદ્ધતિમાં બદલાવ લાવવા સમજાવવાની જરૂર છે. ખેડૂતોને ઓછા પિયતવાળા પાકો તરફ વાળવા સમજાવવાની આવશ્યકતા છે. શેરડી જેવા પાકો ખૂબ જ પાણી પીવે છે. જેથી શેરડી પાકો ઉગાડાય છે તે જમીનમાં ભૂ-ગર્ભ જળના સ્તરમાં મોટો ઘટાડો થાય છે.

આ સાથે, પાણીનો વેડફાટ અટકાવવા, જૂની ખેત પદ્ધતિઓમાં બદલાવની પણ આવશ્યકતા છે. ભૂ-ગર્ભ જળનું પ્રમાણ ઓછું હોય તેવી ખેત જમીનો માટે ખેડૂતોને પાણી માટેના ખર્ચનું આયોજન કરવા પ્રોત્સાહિત કરવા જોઈએ. ગ્રામજનોએ સાથે મળીને પાણી માટેની કાર્યયોજના અને પાણી ભંડોળ ઊભું કરવું જોઈએ.

જો આ યોજના દ્વારા લોકોની પાણીના વપરાશ અંગેની આદતો અને જળ વ્યવસ્થાપનની વર્તણૂક બદલાશે, અને સુકી થયેલી જમીનો ફરીથી હરિયાળી બનશે તો તે સ્વર્ગસ્થ પ્રધાનમંત્રી અટલ બિહારી વાજપેયીને આપેલી શ્રેષ્ઠ અંજલી હશે.

Comments

Popular posts from this blog

કાશ્મીર મુદ્દે પાકિસ્તાનનો હોબાળો

પાકિસ્તાન હવે ઘાંઘુ બન્યું છે. અનુચ્છેદ ૩૭૦ રદ કરવાના ભારતના નિર્ણયથી તેની વર્તણૂંક બદલાઈ ગઈ છે અને આંતરરાષ્ટ્રીય સ્તરે કોઈપણ મુદ્દા વિના હોબાળો મચાવી રહ્યું છે. ભારતે જમ્મુ-કાશ્મીરને અને લદાખને કેન્દ્ર શાસિત પ્રદેશ જાહેર કરતાં તેને કોઈ જ અસર ન હોવા છતાં તે બેબાકળું બન્યું છે. પાકિસ્તાનના પ્રધાનમંત્રી ઈમરાન ખાને ભારતને ધમકીઓ આપવાની એકપણ તક જતી કરતા નથી. તેઓ તો યુદ્ધ, આતંક અને હવે અણુ હુમલાની ધમકી સુધી પહોંચી ગયા છે તે દ્વારા ભારત સામે ઝેર ઓકી રહ્યા છે. ઈમરાન ખાને કહ્યું કે, જા કાશ્મીર મુદ્દે વિશ્વના અગ્રણી નેતાઓ કોઈ નિર્ણય નહીં કરે તો બંને દેશો વચ્ચે લશ્કરી અથડામણ થાય તેવી શક્યતા છે. પાકિસ્તાનના વિદેશ મંત્રી શાહ મહંમદ કુરેશીએ પણ એ જ રાગ આલાપ્યો છે. જા કે તેમણે કહ્યું કે, કાશ્મીર પ્રશ્ન ઉકેલવા માટે યુદ્ધ એક માત્ર ઉપાય નથી. પાકિસ્તાનના રેલવે મંત્રી શેખ રાશીદે એક જાહેરસભામાં કહ્યું કે, ઓક્ટોબર કે નવેમ્બર મહિનામાં યુદ્ધ થાય તેવું લાગી રહ્યું છે. આમ પાકિસ્તાનના નેતાઓ એકમત નથી અને આડેધડ નિવેદનો દ્વારા હોબાળો કરી રહ્યા છે. કાશ્મીર મુદ્દાનું આંતરરાષ્ટ્રીયકરણ કરવામાં પાકિસ્તાને કશું જ બાકી રાખ...

શું આરબોની દુનિયામાં નવા યુગમાં ખલીફા બગદાદીના મોતથી કંઈ ફેર પડશે ?

પોતે જ વિસ્ફોટ કરી પોતાને મોતને ઘાટ ઉતારનાર આતંકી સંગઠન આઈએસઆઈએસના ખલીફા - અબુ બકર અલ બગદાદીના મોતના સમાચારથી ઇરાકના મોસુલની શેરીઓમાં ખુશી ફેલાઈ હતી. જ્યાં વર્ષ 2014માં આ અત્યાચારીએ ઇસ્લામિક સ્ટેટ ઓફ ઇરાક એન્ડ સિરીયાની સ્થાપનાની જાહેરાત કરી હતી. અને ત્યારબાદ હત્યાકાંડ, સામૂહિક હત્યા, સામૂહિક બળાત્કાર, શેરી હિંસા, તોડફોડ, અપહરણ, ખંડણી જેવી આફરા-તાફરી મચી હતી. મોસુલ શહેરના 30 હજાર લોકોને શહેર છોડવાની ફરજ પડી હતી અને હજારો લોકોએ તેમના પ્રિયજન ગુમાવ્યા હતા. અલ બગદાદી આતંકી સંગઠન આઈએસઆઈએસનો વડો હતો. જેણે ભૂતકાળમાં ઘણા રૂપ બદલ્યા હતા. અને જે સિરીયા અને ઇરાક વચ્ચેના બ્રિટન જેટલા મોટા પ્રદેશનું નિયંત્રણ કરતો હતો. અબુ બકર અલ બગદાદીએ સિરિયાની સભ્યતા-સંસ્કૃતિ પર ઘણી ખરાબ છાપ પાડી છે. તેમણે પાલમિરા શહેરને ધ્વંસ કર્યું. તો મોસુલની ઐતિહાસિક અલ-નૂરી મસ્જિદને વર્ષ 2017માં ઉડાવી દીધી હતી. જ્યાં તેણે 2014માં ઇસ્લામિક ખિલાફતની જાહેરાત કરી હતી. ઉલ્લખનીય છે કે, ઇરાક અને સિરીયામાં અમેરિકાના નેતૃત્વ હેઠળનું યુદ્ધ હતું અને સિરીયા અને બહાદુર કુર્દ આગેવાનની હેઠળના યુદ્ધમાં છેલ્લા કેટલાંક વર્ષોમાં આઈએસઆઈએસએ નોં...

રાયસીના મંત્રણા 2020 અંગે સમીક્ષા

લેખક – ડોક્ટર આરા નારાયણ રોય,  દિલ્હીની ભારતીય સામાજિક વિજ્ઞાન સંસ્થાના નિયામક સમગ્ર વિશ્વ 21મી સદીના ત્રીજા દાયકામાં પ્રવેશ કરતી વખતે એકથી વધુ પડકારો તથા સત્તામાં પરિવર્તનના બનાવો નિહાળી રહ્યું છે.  નવી સત્તાઓ વિશ્વ ફલક ઉપર ધીરે ધીરે ઉપસી રહી છે, ત્યારે કેટલીક જૂની સત્તાઓ તેમની અસર ગુમાવી રહી હોવાનો અહેસાસ કરી રહી છે.  ચીનનો વિશ્વ ફલક ઉપર થયેલો ઉદય સમગ્ર વિશ્વને ચોંકાવનારો છે, જ્યારે ભારત પણ વિશ્વમાં આગળ વધી રહ્યું છે.  સમગ્ર વિશ્વના પર્યાવરણ ઉપર નિર્ણાયક છોડવાની બાબતમાં તથા સલામતી ક્ષેત્રના તણાવની દૃષ્ટિએ, એશિયા વૈશ્વિક સ્તરે કેન્દ્રમાં રહ્યું છે.  નવકલ્પના એ ભવિષ્યની ચાવી છે. જો તમે નવકલ્પનાને મહત્વ આપશો નહીં, તો ફેંકાઈ જવાનો ભય રહ્યો છે.  આજ બાબત વિદેશનીતી અને વ્યૂહાત્મક હિતોને પ્રોત્સાહન આપવાની બાબતને પણ લાગુ પડે છે.  જટીલ વ્યવસ્થા ધરાવતું નવું વિશ્વ પડકારોની સાથે સાથે નવી તકો પણ આપે છે.  વિશ્વમાં સત્તાનું કેન્દ્ર પશ્ચિમી દેશોથી ખસીને પૂર્વના દેશો તરફ આવતું જણાય છે. આ જ બાબત નવી વિચારધારાની જરૂરિયાત તરફ...