સંરક્ષણમંત્રી રાજનાથસિંહ મોસ્કોમાં યોજાયેલી શાંઘાય સહકાર સંગઠન SCO ના સભ્ય દેશોના સંરક્ષણ મંત્રીઓની બેઠકમાં હાજરી આપવા માટે ગત સપ્તાહે રશિયાની મુલાકાત લીધી હતી.
આ મુલાકાત દરમિયાન શ્રી રાજનાથસિંહે રશિયાના સંરક્ષણમંત્રી જનરલ સેર્ગેઈ શોઇગૂ સાથે પણ મંત્રણા કરી હતી. કોવિડના સમયગાળામાં ભારતના સંરક્ષણમંત્રીની મોસ્કોની બીજી મુલાકાતથી ભારત અને રશિયાના સંરક્ષણ ક્ષેત્રના વધુ સઘન બની રહેલા સંબંધોનો સંકેત મળ્યો છે.
બીજા વિશ્વ યુધ્ધમાં સાથી રાષ્ટ્રોએ મેળવેલા વિજયની સ્મૃતિમાં રશિયામાં યોજાયેલી પરેડમાં ભારતની સેનાની ત્રણેય પાંખોના સૈનિકોએ ભાગ લીધો હતો. ભારત અને રશિયાના સંરક્ષણમંત્રીઓએ વિવિધ મુદ્દાઓ અંગે સઘન ચર્ચા વિચારણા કરી હતી.
ભારત અને રશિયાના નૌકાદળોના જવાનોએ ચાર અને પાંચમી સપ્ટેમ્બરે મલાક્કાની સમુદ્રધુનીમાં સંયુક્ત ક્વાયતો હાથ ધરી હતી. એજ સમયે ભારત અને રશિયાના સંરક્ષણ મંત્રીઓએ મંત્રણા કરી હતી.
શ્રી રાજનાથસિંહે જણાવ્યું હતું કે, હિન્દ મહાસાગર વિસ્તારની દરિયાઈ સલામતીને ભારત અને રશિયા કેટલું મહત્વ આપે છે એ બાબત બંને દેશના નૌકાદળોની સંયુક્ત ક્વાયત દ્વારા જાણવા મળે છે. ભારતના સંરક્ષણમંત્રીએ ભારતની કોઈ પણ શસ્ત્રની ખરીદીને રશિયાએ આપેલું સમર્થન તથા નિર્ધારિત સમયગાળામાં એ શસ્ત્રને ભારતને સોંપવામાં દાખવેલી સાતત્યતાને બીરદાવી હતી.
આ પ્રસંગે બંને નેતાઓએ ભારતના લશ્કર માટે અદ્યતન એ.કે. 203 એસોલ્ટ રાયફલની ખરીદી તથા મેઇક ઇન ઇન્ડિયા કાર્યક્રમ હેઠળ ભારતમાં એ રાયફલોના ઉત્પાદન બાબતે ચર્ચા કરી હતી.
રશિયાએ આગામી ફેબ્રુઆરી 2021માં યોજાનાર એરો ઇન્ડિયા પ્રદર્શનમાં ભાગ લેવાનો નિર્ણય કર્યો છે. આ બેઠકમાં સેના તથા ટેકનીક્લ સહકાર માટેના આંતર – સરકારી પંચની હવે પછીની બેઠક આ વર્ષના અંતમાં ભારતમાં યોજવા બાબતે સંમતિ સધાઈ હતી.
ભારતના સંરક્ષણ મંત્રીએ SCO ની બેઠકમાં આપેલી હાજરીથી આંતરરાષ્ટ્રીય સ્તરે મુક્ત સ્રર્વસમાવેશક , આંતરરાષ્ટ્રીય કાયદા આધારિત વૈશ્વિક સલામતી વ્યવસ્થા પ્રત્યેની ભારતની પ્રતિબધ્ધતા જ દેખાઈ છે.
શ્રી રાજનાથસિંહે SCO ની બેઠકમાં પર્શિયન અખાત તથા અફઘાનીસ્તાનની સ્થિતિ અંગે તેમના વિચારો દર્શાવ્યા હતા. ભારતે આ વિસ્તાર સાથે જોડાયેલ પ્રાદેશિક હિત તથા બીજા દેશોનો આદર તથા સાર્વભૌમત્વ જાળવીને આ મુદ્દે ઉકેલ મેળવવા ઉપર ભાર મૂક્યો. સંરક્ષણમંત્રીએ આતંકવાદ તથા ઉદ્દામવાદ વિરોધી ઠરાવની SCO ની બેઠકમાં કરાયેલી ચર્ચા તથા સાયબર ગૂના અને આતંકવાદને રોકવા સહકાર વધારવાની SCO જૂથની તત્પરતાને બિરદાવી હતી. શ્રી રાજનાથસિંહે ઉઝબેકિસ્તાન, તાજીકીસ્તાન અને કઝકસ્તાનના સંરક્ષણમંત્રીઓ સાથે પણ મંત્રણાઓ કરી હતી.
SCO જૂથની બેઠકમાં ચીનના સંરક્ષણમંત્રી જનરલ વેઇ ફેંગે શ્રી રાજનાથસિંહ સાથે મંત્રણા કરવાની તત્પરતા વ્યક્ત કરતાં આ બંને આગેવાનોએ બેઠક યોજી હતી. આ બેઠકમાં શ્રી રાજનાથસિંહે ગલવાન ખીણ સહિત વાસ્તવિક નિયંત્રણ રેખા LAC ખાતે છેલ્લાં કેટલાંક મહિનાથી ઊભી થયેલી પરિસ્થિતિ બાબતે ભારતનો મત અને વલણ સ્પષ્ટ કર્યા હતા. તેમણે કહ્યું કે, ભારતીય સેનાએ પરિસ્થિતિના વ્યવસ્થાપનમાં હંમેશા જવાબદારીભર્યો અભિગમ અપનાવ્યો છે. જોકે ચીને આ બાબત સમજવી જોઈએ કે ભારત દેશની અખંડીતતા તથા સાર્વભૌમત્વના રક્ષણ માટે પ્રતિબધ્ધ છે.
ચીનના સંરક્ષણમંત્રીએ પણ પરિસ્થિતિ સામાન્ય બનાવવા બંને પક્ષોએ સાથે મળીને કામ કરવું જોઈએ તેવો મત વ્યક્ત કર્યો હતો. બંને અગ્રણીઓએ દોહરાવ્યું હતું કે, દ્વિપક્ષીય સંબંધો વિકસાવવા સરહદે શાંતિ જળવાય તે જરૂરી છે.
આથી જ બંને પક્ષો વર્તમાન મુદ્દાઓનો ઉકેલ વાતચીત વડે મેળવવા સંમત થયા હતા. દિલ્હી પાછા ફરતી વખતે સંરક્ષણમંત્રી રાજનાથસિંહે ઇરાનમાં રોકાઈને ઇરાનના સંરક્ષણમંત્રી સાથે વાતચીત કરી હતી.
લેખક : સંયુક્ત રાષ્ટ્રસંઘ ખાતેના ભારતના કાયમી પ્રતિનિધિ અશોકકુમાર મુખરજી
Comments
Post a Comment