ભારતના ઇસરો સંસ્થાના વૈજ્ઞાનિકોએ PSLV રોકેટની મદદથી દેશના અદ્યતન દૂરસંદેશાવ્યવહાર ઉપગ્રહ CMS વનને અવકાશમાં સફળતાપૂર્વક તરતો મૂકીને વર્ષ 2020ના વર્ષનું સફળતા સાથે સમાપન કર્યું.
ઇસરોએ, આંધ્રપ્રદેશના શ્રીહરીકોટા અવકાશમથકેથી CMS ને સફળતાપૂર્વક અવકાશમાં મોકલ્યો હતો.
અવકાશમથકેથી મોકલવામાં આવ્યા બાદ આશરે વીસમી મીનીટે, ઉપગ્રહને નિર્ધારિત ભ્રમણકક્ષામાં ગોઠવવામાં આવ્યો હતો.
CMS ઉપગ્રહ, અગાઉ વર્ષ 2011માં છોડાયેલા જીસેટ-બાર ઉપગ્રહનું સ્થાન લેશે.
CMS ઉપગ્રહ, ભારતનો બારમો સંદેશાવ્યવહાર ઉપગ્રહ છે. ઇનસેટ અને જીસેટ શ્રેણીના ઉપગ્રહ બાદ ભારતીય વૈજ્ઞાનિકોએ CMS ઉપગ્રહની નવી શ્રેણી શરૂ કરી છે.
આ વર્ષે કોવિડના લીધે ઇસરોના ગગનયાન મિશન સહિત ઘણાં મિશનો સમયસર હાથ ધરી શકાયા નથી.
કોવિડ પહેલા ભારતે જીસેટ-30 ઉપગ્રહને સફળતાપૂર્વક તરતો મૂક્યો હતો.
આ ઉપગ્રહને ગત જાન્યુઆરી માસમાં ફ્રાન્સના ગુયાના ખાતેના અવકાશ મથકેથી અવકાશમાં મોકલવામાં આવ્યો હતો.
ત્યારબાદ ભારતીય વૈજ્ઞાનિકોએ ગત નવેમ્બરમાં EOS - વન , નામનો ભૂમિનિરીક્ષણ ઉપગ્રહ સફળતાપૂર્વક છોડ્યો હતો.
આ ઉપગ્રહની સાથે નવ વિદેશી ઉપગ્રહો ને પણ એક જ રોકેટની મદદથી અવકાશમાં મોકલવામાં આવ્યા હતા.
ભૂમિ નિરીક્ષણ ઉપગ્રહ કૃષિ, વનીકરણ તથા આપત્તિ વ્યવસ્થાપન જેવી કામગીરીમાં મદદરૂપ બનશે. જ્યારે તાજેતરમાં તરતો મૂકાયેલો CMS વન ઉપગ્રહ દેશની સંદેશાવ્યવહારની ક્ષમતા વધારશે.
આ ઉપરાંત તે ઇ-લર્નિંગ , ટેલીમેડિસીન જેવી અગત્યની બાબતોમાં પણ મદદરૂપ થશે.
આ ઉપગ્રહ ભારતની ભૂમિ ઉપરાંત દેશના આંદામાન-નિકોબાર તથા લક્ષદ્વીપ જેવા ટાપુ વિસ્તારોમાં પણ કામગીરી કરશે આ ઉપગ્રહની આવરદા સાત વર્ષની આંકવામાં આવી છે.
ભારત નવા વર્ષ 2021માં પોતાના ત્રણ ઉપગ્રહો ઉપરાંત બ્રાઝીલના ભૂમિનિરીક્ષણ ઉપગ્રહ અમેઝોનીયાને અવકાશમાં તરતા મૂકવા સાથે નવા વર્ષના અવકાશ મિશનનો પ્રારંભ કરશે.
આ મિશન ભારતના PSLV રોકેટની મદદથી આગામી ફેબ્રુઆરી અથવા માર્ચ મહિનામાં હાથ ધરાશે. આ મિશન ભારતના અવકાશ કાર્યક્રમ માટે ખૂબ જ ઉપયોગી થશે.
આ મિશન સાથે ભારતની અવકાશ ક્ષેત્રની ક્ષમતા વધારવા માટે ઇસરોએ જે સુધારા હાથ ધર્યા છે, તેનો વાસ્તવિક અમલ શરૂ થશે.
ભારતે, અવકાશ ક્ષેત્રે ભારત રાષ્ટ્રીય અવકાશ પ્રોત્સાહન અને પ્રમાણીકરણ કેન્દ્ર – ઇન – સ્પેસ કાર્યક્રમ હાથ ધરીને ખાનગી ક્ષેત્રના સાથ સહકારમાં અવકાશ કાર્યક્રમ આગળ ધપાવવાની પહેલ કરી છે.
ફેબ્રુઆરી-માર્ચમાં અવકાશમાં મોકલવામાં આવનારા ભારતના ત્રણ ઉપગ્રહો માં ખાનગી ક્ષેત્રના ભૂમિ નિરીક્ષણ ઉપગ્રહ આનંદનો સમાવેશ થાય છે. આનંદ ઉપગ્રહ, ખાનગી ક્ષેત્રના સીઝીગી સ્પેસ ટેકનોલોજી પ્રાઇવેટ લિમિટેડના પિક્સેલ નામના સ્ટાર્ટ અપ દ્વારા તૈયાર કરવામાં આવ્યો છે.
ખાનગી કંપનીના સૂચિત ભૂમિનિરીક્ષણ ઉપગ્રહોની શ્રેણી, સતત 24 કલાક કામગીરી દ્વારા માહિતી એકઠી કરીને તે કૃત્રિમ બુદ્ધિમતા ધરાવતા મંચને સતત આપતી રહેશે.
આ માહિતીનો ઉપયોગ કૃષિ, વનસંરક્ષણ, શહેરી વિસ્તારોની દેખરેખ, તથા આબોહવાના નિરીક્ષણ અને અભ્યાસ જેવી કામગીરીમાં કરાશે.
પિક્સેલ આગામી 2022 સુધીમાં નાના 30 જેટલા અર્થ ઓબઝર્વેશન અર્થાત ભૂમિનિરીક્ષણ ઉપગ્રહો અવકાશમાં મોકલવાની નેમ ધરાવે છે.
આનંદ ઉપરાંત ઇસરો, સ્પેસ કિડ્ઝ ઇન્ડિયાનો સતીષ સેટ તથા કોન્સોર્ટીયમ ઓફ યુનિવર્સિટીઓનો યુનિટી સેટ આ બે ઉપગ્રહો પણ અવકાશમાં મોકલશે.
અગાઉ ઇસરો, સ્પેસ કિડ્ઝ ઇન્ડિયા દ્વારા તૈયાર કરાયેલ યુનિટી સેટ ઉપગ્રહ અવકાશમાં મોકલ્યો હતો.
વર્ષ 2021ના પ્રથમ ત્રણ મહિનામાં આ ઉપગ્રહોને છોડવા ઉપરાંત ઇસરો નાના ઉપગ્રહો પ્રક્ષેપણ યાન – SSLV ના પ્રથમ પ્રક્ષેપણનો પ્રયોગ કરશે.
SSLV યાન, 500 કિલોગ્રામ વજન ધરાવતા નાના ઉપગ્રહોને અવકાશમાં મોકલવાની ક્ષમતા ધરાવે છે.
SSLV યાન છ ઇજનેરો ની ટીમ દ્વારા માત્ર સાત દિવસમાં તૈયાર કરી શકાય. છે. જ્યારે PSLV ને જોડીને સજ્જ કરવા 600 લોકોની ટીમને કેટલાંક મહિના સુધી કામગીરી કરવી પડે છે.
ઇસરોએ વેપારી ધોરણે ઉપગ્રહને અવકાશમાં તરતા મૂકવા PSLV તૈયાર કર્યું છે.
આ ઉપરાંત ઇસરોના વૈજ્ઞાનિકો આદિત્ય એલ-વન ચંદ્રયાન-ત્રણ તથા ગગનયાન જેવા મહાત્વાકાંક્ષી પ્રોજેક્ટો ઉપર પણ કામ કરી રહ્યા છે.
આદિત્ય- એલ-વન મિશન, ભારતનું પ્રથમ સૂર્ય મિશન છે, જેમાં ઉપગ્રહને પૃથ્વીથી પંદર લાખ કિલોમીટર અંતરે નિર્ધારિત એલ-વન જગ્યાએ લઈ જવાશે.
શ્રીરંગ તેડુંલકર – રમેશ પરમાર
લેખક – કે.વી.વેંકટસુબ્રમણ્યમ,
વિજ્ઞાન પત્રકાર
Comments
Post a Comment